આ ભારતીય ખેલાડીના પિતાનું થયું નિધન, અંતિમ વિધિમાં નહિ આવી શકે, ઓસ્ટ્રેલીયામાં છે ક્વોરન્ટાઇન

ટીમ ઈન્ડિયા સાથે ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા મોહમ્મદ સિરાજના પિતાનું નિધન થયું છે. સિરાજના પિતા મોહમ્મદ ગાઉસ માત્ર 53 વર્ષના હતા, તેઓ ફેફસાના રોગથી પીડિત હતા. સિરાજના પિતાએ હૈદરાબાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સ્પોર્ટ્સ સ્ટારમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ મોહમ્મદ સિરાજને આ સમાચાર ત્યારે મળ્યા જ્યારે તે પ્રેક્ટિસથી હોટલ પરત ફરી રહ્યો હતો.

પિતાના અંતિમ સંસ્કારમાં જઈ શકશે નહીં સિરાજ

સિરાજ હાલમાં 15 દિવસના ક્વોરન્ટાઇનમાં ઑસ્ટ્રેલિયા છે અને આ કારણે તે તેના પિતાના અંતિમ સંસ્કારમાં જઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સિરાજના પિતા એક ઓટો ડ્રાઇવર હતા, પરંતુ તેમ છતાં તેમણે તેમના પુત્રને કંઈપણ કમી પડવા દીધી નહીં. પિતાના અવસાન પછી ગમગીન સિરાજે કહ્યું કે, તે તેમનું સપનું પૂર્ણ કરશે. તેના પિતાનું સપનું હતું કે સિરાજ ટીમ ઈન્ડિયાની સેવા કરે.

પિતાનું હંમેશાં સપનું હતું કે હું દેશનું નામ રોશન કરું

સિરાજે કહ્યું, “મારા પિતાનું હંમેશાં સપનું હતું કે હું દેશનું નામ રોશન કરું અને હું ચોક્કસ કરીશ. મેં મારા જીવનના સૌથી મોટા સમર્થકને ગુમાવી દીધા છે, આ ખૂબ જ દુ:ખદ ક્ષણ છે. મને દેશ માટે રમતા જોવું તેમનું સપનું હતું. હું ખુશ છું કે હું તેમને સમજી શક્યો અને તેમને ખુશ કરી શક્યો.” સિરાજની ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટ્વીટ કર્યું કે ‘અમે મોહમ્મદ સિરાજ અને તેના પિતાને ગુમાવનારા તેના પરિવાર માટે પ્રાર્થના અને શોક વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ આરસીબી પરિવાર તમારી સાથે છે. મિયાં, મજબૂત બન્યા રહો.’

2016-17ની રણજી સિઝનમાં 41 વિકેટ લીધી હતી

ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સિરાજ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે 2016-17ની રણજી સિઝનમાં 41 વિકેટ લીધી હતી. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદે તેના પર 2.6 કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો. ત્યારબાદ સિરાજે તેના પિતા અને પરિવાર માટે મોટું મકાન ખરીદ્યું. આ પછી, સિરાજે વર્ષ 2017માં ભારત તરફથી ટી-20 માં પ્રવેશ કર્યો હતો અને 2019 માં તેણે ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ડેબ્યૂ પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *