કોરોનાને હળવાશમાં ના લો, એક જ અઠવાડિયામાં અમદાવાદના પોલીસકર્મીએ માં-બાપ અને ભાઈને ગુમાવ્યા…

દિવાળીના તહેવાર પહેલા ખરીદી માટે ઉમટી પડેલી બેકાબૂ ભીડના કારણે ગુજરાતમાં ફરી કોરોના બોમ્બે ફૂટ્યો છે. 21 નવેમ્બરે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 1515 કેસ નોંધાયા હતા. તેમાં પણ અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર છે. શહેરમાં 350થી વધુ કેસ આવવા લાગ્યા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની દિવાળીના પહેલાની ગાઈડલાઈનના પાલન ન કરાવવાની ભૂલ આજે લોકો ભોગવે છે.

જેમાં હજી પણ જે લોકો કોરોનાને હળવાશથી લઈ રહ્યાં છે તેઓને ચેતવતો એક હ્રદયસ્પર્શી કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. આજે કોરોનાએ વધુ એક પરિવારનો માળો વિખેરી નાંખ્યો છે. તેમજ કોરોનાને નકારી કાઢતા અને હળવાશથી લેતા લોકો માટે આ ઘટના લાલબત્તી સામાન છે, સમજી જજો નહીંતર…

શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતાં પોલીસકર્મીએ કોરોનાને કારણે પાંચ જ દિવસમાં માતા-પિતા અને ભાઈને ગુમાવ્યા છે. દિવાળી પહેલા તેઓને કોરોના થયો હતો અને હોસ્પિટલમાં દાખલ હતા. વેન્ટિલેટર પર હોવા છતાં ડોકટરો તેઓને બચાવી શક્યા ન હતા.

આદિત્ય હોસ્પિટલે વેન્ટિલેટર ન હોવાનું કહેતા માતાને સિવિલ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં

શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા વૃંદાવન ડુપ્લેક્સમા રહેતાં અને ટ્રાફિક બી ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ધવલ અનિલભાઈ રાવલના પિતા અનિલભાઈ રાવલ 29 ઓક્ટોમ્બરના રોજ પોઝિટિવ આવ્યા હતા અને બાદમાં માતા નયનાબહેન રાવલ અને ભાઈ ચિરાગ રાવલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં માતા-પિતાને સારવાર માટે ઠક્કરનગરની આદિત્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ભાઈને ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દિવાળીના તહેવારમાં કોરોના વધ્યો હતો અને દરેક હોસ્પિટલ ભરાઈ ગઈ હતી. કાળીચૌદશની રાતે માતાની તબિયત લથડતાં વેન્ટિલેટર પર રાખવાની સ્થિતિ ઉભી થતા ડોક્ટરોએ વેન્ટિલેટર ન હોવાનું કહી નયનાબહેનને સિવિલ કોવિડ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. આથી નયનાબહેનને અને પિતા અનિલભાઈને પણ સિવિલ હોસ્પિટલમા દાખલ કર્યા હતા.

17 નવેમ્બરે માતાનું અને બીજા દિવસે ભાઈનું અને પાંચ દિવસ પછી પિતાનું મોત

કોરોનાની સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 17 નવેમ્બરે નયનાબહેનનું અવસાન થયું હતું. માતાના મૃત્યુના આઘાતમાંથી ધવલભાઈ અને પરિવારના સભ્યો બહાર આવે તે પહેલાં બીજા જ દિવસે ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાઈ ચિરાગ રાવલનું પણ મૃત્યુ થયું હતું. કોરોનામાં માતા-ભાઈનો જીવ ગયા બાદ કોઈએ કલ્પના પણ ન કરી હોય તેમ રવિવારે તેમના પિતા અનિલભાઈ રાવલનું પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આમ કાળમુખો કોરોના એક બાદ એક જ પરિવારના ત્રણ સભ્યોને ભરખી ગયો છે. જેને કારણે પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

કોરોનાથી ડરો અને સાવચેત રહોઃ સ્વજન ગુમાવનારા ટ્રાફિક પોલીસકર્મી

આ અંગે ટ્રાફિક પોલીસકર્મી અને ત્રણ ત્રણ પરિવારજનોને ગુમાવનારા ધવલભાઈ રાવલ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે કોરોનાને હળવાશથી ન લો મેં મારા ત્રણ સ્વજન ગુમાવ્યા છે. ખાસ કરી જેઓ વૃદ્ધ છે તેઓએ ઘર બહાર ન નીકળવું જોઈએ. કોરોનાથી ડરો અને સાવચેત રહો. માસ્ક પહેરીને નીકળો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. હું પણ જ્યારે બહારથી આવું છું ત્યારે કપડાં અલગ ડોલમાં નાખી નાહી લઉ છું અને બાદમાં જ ઘરમાં ફરુ છું. લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *