“સો ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી”, પોતે અનેક કાર્યક્રમો કર્યા પછી પાટીલે નેતાઓને કાર્યક્રમ ના કરવાની સલાહ આપી

અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગઈકાલથી કોરોનાને કારણે કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ત્યારે ભાજપના નેતાઓ બેફામ બનીને રેલીઓ, સરઘસ અને મેળાવડાઓ કાઢી કોરોનાની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરતાં હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દિવ્યભાસ્કરે ભાજપની આ વૃત્તિને ઉજાગર કરી પ્રજા સુધી પહોંચાડવાની કોશિસ કરી હતી જેના ગંભીર પ્રત્યાઘાતો આવતાં અંતે ભાજપના પ્રદેશ પ્રમુખે તમામ નેતાઓ આગેવાનો અને કાર્યકરોને આદેશ કરીને કોઈપણ જાહેર કાર્યક્રમ નહીં કરવાની સૂચના આપવી પડી હતી.

ભાજપના પ્રદેશ પ્રમુખે એક અખબારી યાદી જાહેર કરીને આદેશ કર્યો હતો કે હાલ કોરોના સંક્રમણના વાતાવરણને અનુલક્ષીને ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપી છે કે, અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને નવી સૂચના ન મળે ત્યાં સુધી હાલ ભાજપા તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં.તેમજ અગાઉથી નક્કી થયેલ કાર્યક્રમો પણ રદ કરવાની સૂચના આપી છે.

રવિવારે ઉર્જામંત્રી સૌરભ પટેલે બોટાદમાં કાર્યક્રમ કર્યો

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી સૌરભ પટેલના સ્નેહ મિલન કાર્યક્રમાં પણ નિયમોના લીરેલીરા ઉડ્યાં છે. બોટાદમાં સર્કિટ હાઉસ ખાતે આજે નવા વર્ષના ભાજપના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં ખુદ સૌરભ પટેલે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો અને બાદમાં લોકોને શીખામણ આપી કે, નિયમોનું પાલન કરવાની જવાબદારી પ્રજાની છે.

કોરોનાની મહામારીમાં પણ આ પ્રમાણે કાર્યક્રમો તો ચાલુ જ રહેશે. લોકોએ જાતે જ નિયમોનું પાલન કરવું પડશે. રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં કોરોનાના નિયમોનો ભંગ થાય છે તેવા સવાલના જવાબમાં સૌરભ પટેલે જણાવ્યું હતું કે, કાર્યક્રમો તો ચાલતા જ રહે છે. પરંતુ આપણે આની અંદર ધ્યાન રાખીને આગળ વધીએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખીએ, માસ્ક પહેરીએ તો મારા ખ્યાલમાં આવો કોઈ સમસ્યા આવતી નથી. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની જવાબદારી પ્રજાની છે. તે ઉપરાંત ખેડા જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણનો ડાકોરમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ઠાસરા વિધાનસભાના મુખ્ય હોદ્દેદારો અને કાર્યકરોએ કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતાં.

શનિવારે ભાજપના MLA આત્મારામ પરમારે રેલી યોજી હતી

ભાજપના ધારાસભ્યનો સત્કાર સમારોહ માંડવીની કરંજ ગામની સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો. જેમા ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર, ગણપત વસાવા પહોંચ્યા હતા. ધારાસભ્ય આત્મારામ પરમાર અને ગણપત વસાવાએ સત્કાર સમારોહને લઇને રેલી યોજી હતી. આ રેલી ખુલ્લી જીપમાં ડીજેના તાલે યોજવામાં આવી હતી. જેમા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હતા. તે સિવાય સ્વાગત સમારોહમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *