યુરોપ ફરી પાછું લોકડાઉન થવાની શક્યતા, શાંત થઇ રહેલો કોરોના ફરી મોટું મોઢું ફાડી શકે છે…..

સમગ્ર યુરોપમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેના કારણે આકરાં પગલાં લેવાનું અત્યંત જરૂરી બની ગયું છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપ ઓફિસના વડા ડો. હાન્સ કલુજે જણાવ્યું હતું. કોરોનાનો ચેપ મોટાભાગે જે ઘરો, ઇન્ડોર જગ્યાઓ અને કોમ્યુનિટીઝમાં રક્ષણાત્મક પગલાં લેવાતાં નથી ત્યાં વધારે પ્રસરે છે. ચેપને નાથવા માટે તેમણે દેશોને કડક પગલાં ભરવાની અપીલ કરી હતી.

જો લોકો નિયંત્રણોનું પાલન કરશે તો 2,81,000 મોત ટાળી શકાશે

કલુજે એક એપિડેમિઓલોજિકલ મોડેલ દર્શાવી જણાવ્યું હતું કે જો 95 ટકા લોકો માસ્ક પહેરે અને અન્ય સોશ્યલ ડિસ્ટન્સના નિયમો પાળે તો યુરોપ ફેબ્રુઆરી સુધીમાં 2,81,000 મોત ટાળી શકશે, પણ જો આ નિયમો હલવા કરવામાં આવશે તો જાન્યુઆરી સુધીમાં મોતનો આંકડો પાંચ ગણો વધી શકે છે. હાલ યુરોપમાં કોરોના મહામારી જે રીતે પ્રગટ થઈ રહી છે તે ચિંતાપ્રેરક છે. બીજી તરફ ફ્રાન્સ, જર્મની અને ઇટાલીમાં કોરોનાના નવા કેસોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી છે જેને પગલે ફ્રાન્સે પારિસ સહિત તેના નવ મોટા શહેરોમાં રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધી એક મહિના માટે રાત્રિ કરફ્યુ લાદી દીધો છે.

માસ્કની અછતની ફરિયાદ

દરમ્યાન માસ્ક તથા અન્ય ઉપકરણોની અછત અંગે તાજેતરના મહિનાઓમાં અભૂતપૂર્વ 90 ફરિયાદો નોંધાવાને પગલે સ્પેશ્યલ ફ્રેન્ચ કોર્ટે કોરોના મહામારી સાથે સરકારની પનારો પાડવાની રીત અંગે તપાસ કરવાના આદેશ આપ્યા છે. કોરોનાના દર્દીઓ, ડોક્ટરો અને પોલીસ અધિકારીઓએ નોંધાવેલી આ ફરિયાદોને પગલે ફ્રેન્ચ પોલીસે ભૂતપૂર્વ વડા પ્રધાન એડવર્ડ ફિલિપે તથા વર્તમાન અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાનોના નિવાસસ્થાનો પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. વર્તમાન આરોગ્ય પ્રધાન ઓલિવિયર વેરાનની ઓફિસમાં પણ પોલીસે તપાસ કરી હતી.

લંડનમાં સાત દિવસથી સરેરાશ 97 હજાર કેસ

બીજી તરફ લંડનમાં શનિવારથી વધારે કડક નિયંત્રણોનો અમલ કરવામાં આવશે. આરોગ્ય પ્રધાન મેટ્ટ હેન્કોકે જણાવ્યું હતું કે હાલ લંડનમાં દર દસ દિવસે કોરોનાના દરદીઓની સંખ્યા બમણી થઈ રહી છે. છેલ્લા સાત દિવસની સરેરાશ 97 કેસની રહી છે અને તેમાં વધારો થઈ રહ્યો છે.

શિયાળો બની શકે છે વધુ કાતિલ એટલે કડક નિયંત્રણો જરૂરી

લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે મુશ્કેલ શિયાળો આવી રહ્યો છે અને અમારી પાસે હવે વધારે કડક પગલાં લાદવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. કોઈને વધારે નિયંત્રણો ગમતા નથી, પણ લંડનવાસીઓના રક્ષણ માટે તે લાદવા જરૂરી બની ગયા છે. અમેરિકામાં પણ 50માંતી 46 રાજ્યોમાં કોરોનાનો ચેપ વધી રહ્યો હોવાના સંકેતો મળ્યા છે.

રશિયાની રસીનું ઉત્પાદન લક્ષ્યાંક કરતાં ઓછું થશે

રશિયાની રસીના ઉત્પાદનનું વિસ્તરણ કરવામાં સેરમની સ્ટેબિલિટી જાળવવામાં પીછેહઠ થવાને પગલે રશિયાતેના 30 મિલિયન ડોઝના ઉત્પાદનનો લક્ષ્યાંક હાંસલ નહીં કરી શકે. ઉદ્યોગ પ્રધાન ડેનિસ મનટુરોવે જણાવ્યું હતું કે મુખ્યકામ ઉત્પાદનને વધારવાનું છે, પણ તે અશક્ય છે. રશિયાએ તેની કોરોના રસીને પૂરતા ટ્રાયલ કર્યા વિના વહેલી મંજૂરી આપી દીધી હતી. જેના પગલે તેની સલામતિ બાબતે વિવાદ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *