નવરાત્રીના બીજા નોરતે કરો માં બ્રહ્મચારિણીની પૂજા, જાણો ઉપાસના અને પુજાના નિયમો….

તપ નું આચરણ કરનારી તું દેવી કમન્ડળ ધારિણી
સંયમ દેજે ‘સિદ્ધ’ ને શિવ ભાર્યા હે! બ્રહ્મચારિણી

માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે – વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ છે.

દુર્ગા પૂજાના બીજા દિવસે આ જ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘સ્વાધિષ્ઠાન’ ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત મનવા યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે. પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. આ કડક તપને કારણે તેમણે તપશ્ચારિણી એટલેકે બ્રહ્મ ચારિણીના નામથી ઓળખવામાં આવે છે.
એક હજાર વર્ષ તેમણે ફક્ત ફળ-ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને ગુજારો કર્યો હતો. કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યુ. આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલાં બિલિપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી પછી તેમણે આ બિલિપત્રોને પણ ખાવાનું છોડી દીધુ જેને કારણે તેમનુ નામ ‘અપર્ણા’ પડી ગયુ. કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યા ને કારણે બ્રહ્મચારિણી દેવીનું એ પૂર્વ જન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યુ. તે ખૂબ જ દૂબળા થઈ ગયા હતા. તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુ:ખી થઈ ગઈ. તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે બૂમ પાડી ‘ ઉમા, અરે !, ઓ નહી ‘ ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વ જન્મનું એક નામ ‘ઉમા’ પણ પડી ગયું હતુ. તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા, ઋષિ, સિધ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વનુ પુણ્યકૃત્ય બતાવતા તેમના વખાણ કરવા લાગ્યા.
છેવટે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્રારા તેમણે સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરોમાં કહ્યું – હે દેવી, આજ સુધી કોઈએ આવી કઠોર તપસ્યા નથી કરી. આવી તપસ્યા તમે જ કરી શકો છો. તમારા આ કામની ચારો લોકમાં પ્રશંસા થઈ રહી છે, તમારી મનોકામના જરૂર પૂરી થશે. ભગવાન ચન્દ્રમૌલિ શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી દૂર થઈને ઘર ચાલ્યા જાવ. બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યાં છે.
માઁ બ્રહ્મચારિણી ભક્તો અને સિધ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળી છે. તેમની ઉપાસનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. જીવનના આવતા સંધર્ષો દરમિયાન પણ તેમનુ મન કર્તવ્ય-પથથી વિચલિત નથી થતુ. માઁ ની કૃપાથી તેને બધે જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે

આજે નવરાત્રિના નવલાં નોરતાનું બીજુ નોરતુ છે. શારદીય નવરાત્રિ (Shardiya navratri 2020)ના બીજા દિવસે માતા બ્રહ્મચારિણી પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવી બ્રહ્મચારિણી તપની શક્તિનું પ્રતીક છે. માં બ્રહ્મચારિણીએ ભગવાન શંકરને તેમના પતિ તરીકે મેળવવા માટે આકરી તપસ્યા કરી હતી. આ કારણોસર તે બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે.

માતા બ્રહ્મચારિણીની પૂજાથી મંગળ ગ્રહની ખરાબ અસર દૂર થાય છે. માતા બ્રાહ્મચારિણી હિમાલય અને મૈનાની પુત્રી છે. તેમને દેવર્ષિ નારદજીના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું. જેના ફળસ્વરૂપ આ દેવી ભગવાન ભોલેનાથની વામિની અર્થાત્ પત્ની બન્યા. જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધુ પ્રાપ્ત થઈ જાય છે.

દેવી બ્રહ્મચારિણીને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે. કઠોર સાધના અને બ્રહ્મમાં લીન થવાને લીધે તે બ્રહ્મચારિણી પણ કહેવાય છે. તેમની પૂજા વિદ્યાર્થીઓ અને સન્યાસી માટે ખૂબ જ શુભ છે. મા બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનેક ફળ પ્રાપ્ત થાય છે. તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધિ થાય છે. બ્રહ્મચારિણી મા પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પરથી ભટકતું નથી અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારિણી માતાની આરાધના કરવાથી શરીર સ્વાસ્થ્ય સારૂ રહે છે તેમજ રોગમાંથી છુટકારો થાય છે.

માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની રીત
મા બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે પીળા કે સફેદ વસ્ત્ર પહેરો. માતાને સફેદ વસ્તુઓ અર્પણ કરો. જેમ કે – મિસરી, સાકર અથવા પંચામૃત.જ્ઞાન અને વૈરાગ્ય માટે કોઈપણ મંત્રનો જાપ કરી શકો છો. માં બ્રહ્મચારિણી માટે “ॐ એં નમ:“મંત્રનો જાપ કરો.

માતા બ્રહ્મચારિણીની ઉપાસના માટેનો મંત્ર

દધ્યાના કરપદ્માભ્યાં અક્ષમાલા કમંડલુ |
દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ||

નવરાત્રિના બીજા દિવસે આ મંત્રથી જો માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે તો સાધકના જીવનમાં તપ, ત્યાગ, સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં આવતા ગમે તેવા સંઘર્ષના સમયમાં મન વિચલિત થતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *