સરકારને કમાણી કરવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા કોરોના વધુ લાભદાયક, 5 મહિનામાં કરી ડબલ આવક

અમદાવાદમાં વીકેન્ડ કર્ફ્યૂ અને સુરત, વડોદરા, રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ અમલમાં છે. શનિવારે રાજ્યમાં આજ સુધીના સૌથી વધારે કેસ 1515 નોંધાયા છે. કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરીમાં આજ સુધી દંડ પેટે રૂપિયા 78 કરોડ વસુલવામાં આવ્યા છે.

છેલ્લા 58 દિવસમાં 26 કરોડની આ‌વક દંડ પેટે થઇ છે. અંદાજે કુલ 26 લાખ વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાયો છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક વર્ષમાં થયેલી કુલ આવક કરતાં પણ માસ્ક વિના ફરતા લોકોને દંડ કરી સરકારને વધારે આ‌વક થઇ છે.

31 ઓક્ટોબર 2018ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આ‌વ્યું હતું. 2019ની 31 ઓક્ટોબર સુધી રૂપિયા 63.50 કરોડ જેટલી આવક થઇ હતી.

સંક્રમણ અટકાવવા દંડની કાર્યવાહી કડક કરી

ગત 15 જૂનથી 24 સપ્ટેમ્બર સુધી રૂપિયા 52.35 કરોડ દંડપેટે વસુલવામાં આ‌વ્યા હતા. એ સમયગાળા દરમિયાન 17 લાખથી વધુ લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. રાજ્યમાં કુલ કેસનો આંકડો 1.96 લાખ પહોંચી ગયો છે. 1.78 લાખ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. શનિવારે 70388 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે આજ સુધીના એક દિવસના સૌથી વધારે ટેસ્ટ હતા.

રાજ્યમાં 71.71 લાખ કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં રાખીએ તો પ્રતિદિવસ 1082 ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે. સંક્રમણને અટકાવવા જાહેર સ્થળોએ, કામકાજના સ્થળે, વાહન વ્યવહાર દરમિયાન નહારા પર માસ્ક ના પહેરેલો હોય કે ચહેરો કોઇ પણ પ્રકારના કપડાંથી ઢંકાયેલો ના હોય તે વ્યક્તિઓ પાસેથી દંડ વસુલવામાં આવે છે.

માસ્ક દંડ મામલે પણ સરકારે નિર્ણયો બદલ્યા!

માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડ વસુલવાના મામલે પણ સરકારે વારંવાર નિર્ણય બદલ્યા છે. ગુજરાતમાં માસ્ક નહીં પહેરવાનો દંડ પહેલાં 500 રૂપિયા હતો પરંતુ તે વધુ લાગતો હોવાથી સરકારે 200 રૂપિયા કર્યો હતો પરંતુ કોરોના સંક્રમણની સંખ્યા વધી જતાં નિયંત્રણ માટે સરકારે 500 રૂપિયાનો દંડ વસૂલ કરવાની જોગવાઇ કરી હતી.

પછી હાઇકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારે દંડની રકમ બમણી કરવાનો નિર્ણય કર્યો હતો. ગત 11 ઑગસ્ટથી રૂપિચા 1000 દંડ લેવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં માસ્ક વિના દંડ રૂપિયા 500થી વધારી રૂપિયા 2000 કરવામાં આવ્યો છે. જેનો વિરોધ થઇ રહ્યો છે. મુંબઇમાં દંડ પેટે સવા કરોડથી વધારે વસુલાત થઇ ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *