ગુજરાતમાં કર્ફ્યૂના નામે ફરી લૉકડાઉન લાદે એવી સંભાવના, 4 શહેરોમાં દિવસે પણ લૉકડાઉનની પ્રબળ શક્યતા

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર કોઇપણ સંજોગોમાં સંક્રમણ વધે તો લોકડાઉન કે સજ્જડ કર્ફ્યૂ એકમાત્ર વિકલ્પ રહે છે. અમદાવાદમાં જે હદે હોસ્પિટલો ઊભરાઇ રહી છે, તે જોતાં કર્ફ્યૂ લાદવો પડે તેવી સ્થિતિ છે.

કોઇપણ રીતે સંક્રમણની ચેઇનને તોડવા પંદર દિવસ જેટલા સમય માટે નિયંત્રણો લાદવા પડે અને તેથી જ આગામી સમયમાં ચાર મહાનગરો અને જરૂર પડે તો બીજા નગરોમાં દિવસના કેટલાંક કલાકો દરમિયાન તથા સદંતર રાત્રિ કર્ફ્યૂ લદાઇ શકે છે.

હોસ્પિટલમાં જગ્યા ઓછી પડે તેવી સ્થિતિ
શનિવારે 24 કલાકમાં 1,515 કેસ નોંધાયા જે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ હોવાનો વિક્રમ છે. તે જ રીતે અમદાવાદ શહેરમાં પણ એક જ દિવસમાં સૌથી વધુ 354 કેસ નોંધાયાનો નવો રેકોર્ડ બન્યો છે. સૂરત અને વડોદરામાં પણ નવા કેસ રોજ ત્રણ આંકડામાં જ નોંધાઇ રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં તો હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડે તેવી સ્થિતિ છે. હાલ શનિ-રવિના દિવસે સરકારે અહીં સદંતર કર્ફ્યૂ લાદ્યો છે, તો અમદાવાદ ઉપરાંત સૂરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ તો છે જ. હવે સરકાર આ ચાર શહેરોમાં દિવસના સમયમાં પણ કર્ફ્યૂ લાદીને સંક્રમણને રોકવાના પ્રયત્ન કરે તેવી શક્યતા છે.

હાલ અમદાવાદમાં સોમવારે સવાર સુધીનો કર્ફ્યૂ છે અને તે દિવસથી રાત્રિ કર્ફ્યૂનો અમલ થશે, પરંતુ સોમવારે સાંજે ચાર મહાનગરોમાં દિવસકાલીન કર્ફ્યૂની પણ જાહેરાત થશે, તેમ સૂત્રો જણાવે છે.

4 શહેરોમાં આ પ્રકારે કર્ફ્યૂની જાહેરાતની સંભાવના

  • દિવસે સવારે 6થી 10 અને સાંજે 4થી 8 વાગ્યા સુધી છૂટછાટ મળી શકે છે.
  • મહિલાઓને સવારના અમુક કલાકો માટે કર્ફ્યૂમાંથી મુક્તિ મળી શકે છે.
  • દિવસે જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, કરિયાણું, દવાઓ અને શાકભાજી સિવાયના તમામ ધંધા-વ્યાપાર બંધ રહી શકે
  • ઔદ્યોગિક એકમોને ગાઇડલાઇનના પાલન સાથે છૂટછાટ મળી શકે છે. જરૂરિયાતની વસ્તુ સિવાયના તમામ વેપારી એકમો અને દુકાનોને બંધ રાખવા ફરજ પડાઇ શકે છે.

કેન્દ્ર સાથે મસલત બાદ અંતિમ નિર્ણય
કેન્દ્ર સરકારે અનલોક માટે બહાર પાડેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે કોઇપણ રાજ્ય પોતાની રીતે લોકડાઉન લાગુ કરી શકે નહીં. આથી આ પ્રકારના કર્ફ્યૂના નામે લાગુ થઇ શકે તેવાં લોકડાઉન માટે ગુજરાત સરકાર કેન્દ્ર સાથે ચર્ચા કરી શકે છે.

Source:- divyabhaskar.co.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *